Nag Panchami Wishes in Gujarati 2026 | નાગ પંચમીની શુભેચ્છાઓ
નાગ પંચમી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર છે, જે દિવસે નાગદેવતાની પૂજા કરી તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. આ શુભ અવસરે પરિવારજનો અને પ્રિયજનોને નાગ પંચમીની શુભેચ્છાઓ પાઠવીને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના કરીએ.
નાગ પંચમીની શુભેચ્છાઓ
![]() |
નાગ પંચમીની હાર્દિક શુભકામનાઓ |
નાગપંચમીની હાર્દિક શુભેચ્છા!🐍
શ્રાવણ મહિનાનો મહત્વપૂર્ણ તહેવાર નાગપંચમી છે. કાળિયા નાગનો પરાજય કરીને, યમુના નદીમાંથી ભગવાન કૃષ્ણ સુરક્ષિત આવ્યા એ દિવસ શ્રાવણ સુદ પંચમી એટલે નાગપંચમી...
નાગ પંચમીની શુભકામનાઓ ....આજે નાગનું પૂજન કરવામાં આવે છે...નાગ કહેતા સર્પ માનવીનો દુશ્મન નથી..તે કોઈ દિવસ અકારણ કોઈને પણ ડંખ મારતો નથી..તેનું બીજું નામ ખેતરપાળ છે ..તે ખેતરની રક્ષા કરે છે .તે એવા જીવોને ખાય છે જે ખેતરમાં ઊભેલી મોલાતને નુકશાન કરે છે. એ રીતે તે ખેડૂતમિત્ર છે. સર્પ કોઈ દિવસ દૂધ પીતો નથી ..તેનો ખોરાક ઉંદર, ગરોડી અને દેડકા છે.
હે નાગ દેવતા બધાને સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો, અને બધાનું ભલું કરો.
તમને અને તમારા પરિવારના લોકોને નાગ પંચમીની અનેક શુભકામનાઓ.
નાગ દેવતા તમને અને તમારા પરિવારને સુખ સંપત્તિ , સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે.
નાગ પંચમીની હાર્દિક શુભકામનાઓ..🐍🕉️
તમારા જીવનમાં આવે સુખ, શાંતિ અને લક્ષ્મી.
તમને આશીર્વાદ મળે આ વર્ષની નાગપંચમી.
શ્રાવણ માસનો પ્રથમ તહેવાર નાગ પંચમી…
નાગપંચમીના શુભ દિવસે નાગની મનોભાવે પૂજા કરવાથી તમને સર્વ શકિતશાળી શિવના આશીર્વાદ અને સંરક્ષણ પ્રાપ્ત થશે…
નાગદેવતાની કૃપા તમારા પર સદાય બની રહે…
નાગપંચમીની શુભકામનાઓ
સૌને નાગપંચમીની શુભકામનાઓ નાગદેવતા આપણને સૌને સ્વસ્થ અને સલામત રાખે તેવી પ્રાર્થના.
દેવાધિદેવ મહાદેવનો ઘરેણા
શ્રી વિષ્ણુ ભગવાનના છે શેષ નાગ સિંહાસન
તેમના ફન પર જેને આખી ધરતી ઉપાડી એવા નાગ દેવતાને મારા વંદન
નાગપંચમીની શુભેચ્છાઓ
નાગપંચમીના તહેવાર નું નિર્માણ પ્રકૃતિ પ્રત્યેની ફરજ ને ધ્યાનમાં રાખીને થયું છે.
ખેડૂતનો જે સાચો મિત્ર, શિવના ગળાનો હાર બન્યો છે,
માન આપીએ નાગરાજને, શિવશંકરની પૂજા કરીએ…
નાગપંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ 💐
નાગ પંચમી ગુજરાતી શાયરી
મહાદેવના ગળામાં શોભે નાગ,
ભક્તોના જીવનમાં ભરે સુખનો રંગ,
નાગદેવતાની કૃપા રહે સદા આપ પર,
નાગ પંચમીની શુભકામનાઓ દિલથી વારંવાર.
નાગદેવતાને કરીએ વંદન,
મહાદેવને કરીએ નમન,
સુખ-શાંતિથી ભરાય જીવન,
નાગ પંચમી પર સૌને અભિનંદન.
શ્રાવણ માસની પવિત્ર પવનો,
લઈને આવે ભક્તિનો સાથ,
નાગદેવતા રાખે રક્ષા તમારી,
ખુશીઓથી ભરાય જીવનની દરેક વાત.
નાગદેવતાના આશીર્વાદ મળે,
ઘરમાં સુખ અને સમૃદ્ધિ ખીલે,
મહાદેવની કૃપા રહે સદા,
નાગ પંચમીની શુભેચ્છા સ્વીકારો મારા હૃદયથી અહીં.
નાગ પંચમી WhatsApp Status
નાગદેવતાને નમન, મહાદેવને વંદન. નાગ પંચમીની હાર્દિક શુભકામનાઓ! 🐍🙏
હર હર મહાદેવ! નાગ પંચમીના પાવન પર્વની સૌને શુભેચ્છાઓ.
નાગદેવતાની કૃપા રહે, જીવનમાં સુખ-શાંતિ વહે.
ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઉજવીએ નાગ પંચમી.
નાગ પંચમીના દિવસે મહાદેવ તમારા બધા દુઃખ દૂર કરે.
જય નાગદેવતા! સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે.
મહાદેવનું નામ લો અને નાગદેવતાના આશીર્વાદ મેળવો.
નાગ પંચમી – શ્રદ્ધા, ભક્તિ અને આશીર્વાદનો પવિત્ર તહેવાર.
Social Media Hashtags
- #NagPanchami
- #NagPanchamiWishes
- #NagPanchamiGujarati
- #નાગપંચમી
- #નાગપાંચમ
- #નાગપંચમીનીશુભેચ્છાઓ
- #NagPanchamiStatus
- #GujaratiWishes
- #GujaratiShayari
- #HarHarMahadev
- #નાગદેવતા
FAQ
નાગ પંચમીની શુભેચ્છા કેવી રીતે આપવી? તમે “નાગદેવતાની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. નાગ પંચમીની હાર્દિક શુભેચ્છાઓ!” જેવા સંદેશા WhatsApp, Facebook અથવા Instagram પર શેર કરી શકો છો. નાગ પંચમી માટે કયો સ્ટેટસ રાખી શકાય? “નાગદેવતાને નમન, મહાદેવને વંદન. નાગ પંચમીની હાર્દિક શુભકામનાઓ!” એક સુંદર ગુજરાતી WhatsApp Status તરીકે ઉપયોગ કરી શકાય છે.શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જન માણસ પર વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. નાગપંચમીના દિવસે શું કરશો ? - આ દિવસે નાગદેવનું દર્શન અવશ્ય કરવું જોઈએ. - નાગદેવના નિવાસસ્થાન ની પૂજા કરવી જોઈએ. - નાગદેવતાને દૂધ પણ પીવડાવવું જોઈએ. - નાગદેવની સુગંધિત ફૂલ તેમજ ચંદનથી જ પૂજા કરવી જોઈએ, કારણકે નાગદેવ સુગંધ પ્રિય છે. - ॐ कुरुकुल्ये हुं फट ् સ્વાહા નો જાપ કરવાથી સર્પ વિષદૂર થાય છે. જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ અમે અહીં રજૂ કરી છે. આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુ:ખ દુર કરનારી છે કોઈપણ કથાને પૂરી શ્રધ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે. નાગપંચમી કથા - 1 કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી. એક દિવસે હળ ચલાવતાં સમયે હળથી ત્રણ સાંપના બચ્ચાં કચડાઈને મરી ગયા. નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યુ. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની બે બાળકોને કરડી લીધુ. બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મુકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવીત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી. ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. નાગપંચમી કથા -2 કોઈ રાજ્યમાં રાજા-રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધી. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોચ્યાં અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા ? તો રાજાએ હાથ જોડીને કહ્યુ કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરુર પૂછી લેત. હવે મને ક્ષમા કરો. નાગદેવતા બોલ્યા - હું તમારી વાતો માં નહી આવુ. આ કારેલાને અહીં મુકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી. થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતાં મુંડન પછી તો કદી કહેતા કાન છેદયા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે. એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફુલ હતુ. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે-સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઉંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હુ તમારી છોકરીને લઈ જઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી-પછાડીને મરી ગયો. રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગાં-સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો. તે ઘેર-ઘેર ફરીને ભીખ માંગતો, અને પોતાનું દુ:ખ સૌને કહેતો, એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા. નાગપંચમી કથા -3 એક રાજાને સાત પુત્ર હતા. બધાના લગ્ન થઈ ગયા હતા. બધાને બાળકો પણ થઈ ગયા હતા. સૌથી નાના પુત્રને કોઈ બાળક હજુ સુધી કોઈ બાળક નહોતું. તેની પત્નીને જેઠાણીઓ વાંઝણ કહીને બોલાવતી. એક તો સંતાન ન હોવાનું દુ:ખ અને ઉપરથી મહેણાં તેને વધુ દુ:ખી કરવા માંડ્યા. જ્યારે તે દુ:ખી થઈને રડતી તો તેનો પતિ તેને સમજાવતો કે 'સંતાન થવા ન થવા એ તો ભાગ્યનો ખેલ છે તો પછી તુ કેમ દુ:ખી થાય છે ? તે કહેતી - "સાંભળતા નથી બધાં મને વાંઝણ કહીને બોલાવે છે. પતિ બોલ્યો - 'દુનિયા બકે છે તો બકવા દે. હું તો કશું નથી કહેતો ને ? તુ ફક્ત મારા તરફ ધ્યાન આપ. અને દુ:ખને છોડીને ખુશ રહે. પતિની વાત સાંભળી તેને થોડી વાર માટે સાંત્વના મળતી પણ ફરી કોઈને કોઈ મહેણાં મારતું અને તે રડવા બેસી જતી. આ રીતે એક દિવસે નાગપાંચમ આવી ગઈ. ચોથની રાત્રે તેને એક રાતે સપનામાં પાંચ નાગ દેખાયા. તેમાંથી એક બોલ્યો - અરે દીકરી, કાલે નાગપાંચમ છે, જો તુ અમારી પૂજા કરીશ તો તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. આ સાંભળી તે ઉઠીને બેસી ગઈ અને પતિને જગાવીને સપના વિશે વાત કરી. પતિએ કહ્યું - કે એમાં શું છે, પાંચ નાગ દેખાયા છે તો પાંચ નાગની આકૃતિ બનાવીને તેમની પૂજા કરી લેજે. નાગ ઠંડુ દૂધ જ પસંદ કરે છે તેથી તેમને કાચા દૂધથી જ પ્રસન્ન કરજે. બીજા દિવસે તેણે તે પ્રમાણે જ કર્યુ અને નાગની પૂજા કરવાથી તેને નવ મહિના પછી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. નાગપાંચમ કથા -4 પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે મોટી વહુએ ઘર લીંપવા માટે પીળી માટી લાવવા માટે બધી વહુઓને પોતાની સાથે ચાલવાનું કહ્યું. બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી. ત્યાં જ એકદમ એક સાંપ નીકળ્યો જેને મોટી વહું મારવા માંડી. નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી - તેને ન મારતાં તે તો નિર્દોષ છે. આથી મોટી વહુ એ તેને ન માર્યો. નાગ પણ બાજુ પર ખસી ગયો. નાની વહુએ સાંપને કહ્યુ કે ' અમે હમાણાં જ પાછા ફરી રહ્યા છે, તમે અહીંથી જશો નહી.' આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી. અને પછી તો તે ઘરના કામકાજમાં સાંપને આપેલું વચન પણ ભૂલી ગઈ. તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી. અને સાંપને ત્યાં જ બેસેલો જોઈને બોલી - સાંપ ભાઈ પ્રણામ.સાંપ બોલ્યો ' તે મને ભાઈ કહ્યુ છે તેથી જવા દઉ છુ નહી તો ખોટી વાત કરવા માટે હું તને હમાણાં જ ડંખ મારી દેતો. તે બોલી - ભાઈ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. ત્યારે સાંપ બોલ્યો - સારું આજથી તુ મારી બહેન છે, અને હુ તારો ભાઈ છુ, તને જે માંગવું હોય તે માંગી લે. તે બોલી ભાઈ મારુ કોઈ નથી, સારું થયુ કે તમે મારા ભાઈ બની ગયા. થોડાક દિવસો વિત્યા પછી સાંપ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે - મારી બહેનને મોકલી આપો. બધાએ કહ્યું કે ' આનો તો કોઈ ભાઈ નથી. તો તે બોલ્યો - હું તેનો દૂરનો ભાઈ છુ. બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો. તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી. તેણે રસ્તામાં કહ્યુ કે હું તે જ સાંપ છું, એટલે તુ ગભરાઈશ નહી. જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે. તેઁણે સાંપના કહ્યા પ્રમાણે કર્યુ અને થોડીવારમાં જ તેઓ સાંપના ઘરે પહોંચી ગયા. ત્યાંનું ધન-ઐશ્વર્ય જોઈને તે ચકિત થઈ ગઈ. એક દિવસે સાંપની માતાએ તેને કહ્યુ - હું એક કામથી બહાર જઈ રહી છું, તુ તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે. તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીવડાવી દીધુ. જેનાથી સાંપનું મોં બળી ગયું. સાંપની માતાને ગુસ્સો આવ્યો. પણ સાંપે તેમણે ચૂપ રહેવાનું કહ્યુ. પછી તેને બહું બધું સોનુ, ચાંદી, હીરા- ઝવેરાત આપીને સાસરિયે વળાવવામાં આવી. આટલું ધન જોઈને મોટી વહુંને ઈર્ષા આવી તે બોલી - ભાઈ તો ખૂબ ધનવાન છે, તારે તો બીજુ વધુ ધન લેવું જોઈએ. સાંપે આ સાંભળ્યું તો તેને વધુ ધન લાવી આપ્યું. આ જોઈને તે ફરી બોલી આ કચરો કાઢવાની સાવરણી પણ સોનાની હોવી જોઈએ. ત્યારે સાંપે સાવરણી પણ સોનાની લાવી આપી. સાંપે નાની વહુને હીરા-મોતીનો અદ્ભૂત હાર આપ્યો હતો. તે હારની પ્રશંસા તે દેશની રાણીએ સાંભળી અને તે રાજાને બોલી - શેઠની નાની વહુનો હાર અહીં આવી જવો જોઈએ. રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલદી હાજર થાવ. મંત્રીએ શેઠને કહ્યુ કે મહારાણી નાની વહુનો હાર પહેરશે, તેથી તમે તે હાર લઈને મને આપો. શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો. નાની વહુને આ સારુ ન લાગ્યું. તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સાંપ તરત જ આવી ગયો. નાની વહુ એ પ્રાર્થના કરી કે - ભાઈ રાણીએ મારો હાર છીનવી લીધો છે, તમે કાંઈ એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાંપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હીરાનો હાર બની જાય. સાંપે તેવુ જ કર્યુ. જેવો રાણીએ હાર પહેર્યો કે તરતજ તે સાપ બની ગયો. આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી. રાજાએ શેઠાણી પાસે સમાચાર મોકલ્યા કે નાની વહુને તરત જ મોકલો. શેઠજી ગભરાઈ ગયા. કે રાજા ન જાણે શુ કરશે ? તે પોતે નાની વહુને લઈને રાજા સામે હાજર થયા. રાજાએ નાની વહુ ને પૂછ્યું - તે શુ જાદુ કર્યો છે , હું તને દંડ આપીશ. નાની વહુ બોલી - રાજાજી ધૃષ્ટતા માફ કરજો, આ હાર એવો છે કે મારા ગળામાં રહે ત્યાં સુધી હીરા-મોતીનો રહે છે અને બીજાના ગળામાં જાય ત્યારે સાંપ બની જાય છે. આ સાંભળી રાજાએ તેને તે સાંપ બનેલો હાર આપ્યો અને કહ્યુ કે - હમણાં જ પહેરી બતાવ. જેવો નાની વહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંપમાંથી પાછો હીરા-મોતીનો હાર બની ગયો. આ જોઈને રાજા ધણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો, ઉપરાંત ધણી સોનોમહોરો પણ આપી. તે બધુ લઈને નાની વહુ ઘરે આવી. મોટી વહુએ ઈર્ષામાં આવીને નાની વહુના પતિના કાન ભંભેર્યા - આને પૂછો કે આ આટલું ધન ક્યાંથી લાવે છે. પતિએ નાની વહુને કહ્યું - સાચુ બોલ કે તને આ ધન કોણ આપે છે ?નાની વહુએ તરતજ સાંપને યાદ કર્યો. સાંપ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો - જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ. નાની વહુનો પતિ ખુશ થઈ ગયો, તેને સાંપ ભાઈનો સત્કાર કર્યો. તે દિવસથી નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંપને પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે છે.
આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને નુકસાન કરતા ઉંદરોનાં ભક્ષક તરીકે સાપ-નાગનું સદીઓથી વિશેષ મહત્વ છે. ભારતીય જ્યોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમ તિથિનાં અધિપતિ નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતનાં કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગનાં ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આવા જ કોઈક વિચારથી પ્રેરાઈને આપણે બધા કદાચ વધુ શ્રધ્ધાવત બનીને નાગની પૂજાને સમર્થન આપતા આવ્યા છીએ. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે. એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા પણ આપણે સ્પષ્ટ જોઈએ છીએ. કદાચ એટલે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. લોકો નાગને પિતૃસમાન માની તેનું પૂજન કરે છે. જેથી પોતાનાં પરિવારનાં સભ્યોને જીવજંતુ કે સરિસૃપ વર્ગનું કોઈ પ્રાણી કરડે નહીં અને તેમનાંથી સૌને રક્ષણ મળે. ભારતનાં કેટલાક વિસ્તારોમાં સુદ પાંચમે તો ગુજરાત સહીત અન્ય વિસ્તારોમાં વદ પાંચમે નાગપંચમી તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને લઈને લોકોમાં અનેક માન્યતાઓ અને લોક વાર્તાઓ પણ પ્રચલિત છે અને એનો શાસ્ત્રોક્ત ઉલ્લેખ પણ મળી આવે છે. ગરૂડ પુરાણ મુજબ, સર્પની ઉત્પત્તિ બ્રહ્માનાં વાળથી થઈ છે. બ્રહ્મા સર્જન કાર્યમાં હતાં ત્યારે બ્રહ્માનાં માથાનાં વાળ માથા પરથી ખરવા લાગ્યા અને નીચે ખરેલાં વાળ પરત માથા પર સરકવા લાગ્યા. આ સર્પણનાં કારણે સર્પ કહેવાયા એવું મનાય છે. સમગ્ર સંસારનાં ચૌદ લોકમાં નાગલોક પણ એક મહત્વનું પરબ્રહ્મ સર્જીત સ્થાન છે. આ નાગલોકમાં રાજા અને પ્રજા પણ નાગ સ્વરૂપે હોય છે એવી માન્યતા છે. આપણા પુરાણો મુજબ નાગોનાં ઘણા પ્રકાર છે, જેમાં ખાસ કરીને નાગોનાં રાજા વાસુકિ, શેષ નાગ ,પદ્મ નાગ, કદમ નાગ, કાળકોટક નાગ, નાઘેશ્વર નાગ, ધૃતરાષ્ટ નાગ, શંખપાલ નાગ, કાલખ્યાં નાગ, તક્ષક નાગ, પિંગળ નાગ, ઐરાવત નાગ વગેરેનું વર્ણન મળી આવે છે. નાગ પંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતમાં આવતો એક રસપ્રદ પ્રસંગ યાદ આવે છે. તો મને થયું આજે એ પ્રસંગ આપ સહુ સાથે વહેંચું. એ પ્રસંગ અનુસાર અભિમન્યુ પુત્ર રાજા પરિક્ષિત જ્યારે આખેટ માટે જંગલમાં જાય છે ત્યારે એક ઋષિને તપસ્યા કરતા જોવે છે. જ્યારે એની પાસે જાય છે અને જોવે છે કે મારાં એટલે કે રાજાનાં આવવા છતાં પણ એમણે આંખો નથી ખોલી ત્યારે પરિક્ષિતને ક્રોધ આવે છે અને ક્રોધાવેશમાં ઋષિની તપસ્યા ભંગ કરવા માટે તેમની પાસે પડેલાં એક મરેલા સાપને એમના ગળામાં નાખી દે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. થોડીવાર પછી શમિક ઋષિનાં પુત્ર શ્રુંગી ત્યાં આવે છે અને જ્યારે તપસ્યા કરી રહેલાં પોતાના પિતાનાં ગળામાં મરેલો સાપ જોવે છે ત્યારે ક્રોધમાં આવી શ્રાપ આપે છે કે જે કોઈએ આ સાપ મારા પિતાનાં ગળામાં નાખ્યો છે એને સાત દિવસ પછી તક્ષક નાગ ડસી લેશે અને એનું મૃત્યુ થઈ જશે. તક્ષક એટલે પાતાળનાં મુખ્ય આઠ ધુરંધર સર્પરાજમાંનો એક, મહર્ષિ કશ્યપ અને એમના પત્ની કદ્રુનો પુત્ર અને વાસુકિનો ભાઈ. શ્રુંગી ઋષિનાં શ્રાપને કારણે નાગરાજ તક્ષકે બ્રાહ્મણનાં વેશમાં આવી ડંખ મારેલો અને કુરુવંશના આ રાજાનું મૃત્યુ થયેલું. એ પછી પરિક્ષિતનો પુત્ર જન્મેજય પ્રતિશોધ લેવા સમસ્ત નાગજાતીને નષ્ટ કરી દેવાનો સંકલ્પ કરે છે અને એ માટે કહેવાતો નાગસત્ર કે સર્પમૃત્યુ યજ્ઞ આરંભ કરે છે. અત્યંત મોટા પાયે આરંભ કરેલા આ યજ્ઞની જો પુર્ણાહુતી થાય તો સમસ્ત નાગવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. આ વાતથી સમસ્ત નાગજાતી ભયભીત હતી અને પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે વ્યર્થ પ્રયત્નો કરવા લાગી. આ વાત નાગરાજ વાસુકિ પાસે પહોંચે છે. વાસુકિ એટલે સમસ્ત નાગપ્રજાતિનો ચક્રવર્તી સમ્રાટ અને મહર્ષિ કશ્યપ અને દક્ષરાજાની પુત્રી કદ્રુનો પુત્ર. દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્રમંથન વખતે મંદરાચલ કે મેરુ પર્વતનો ઉપયોગ વલોણાં તરીકે થયેલો અને આ કાર્ય માટે નાગરાજ વાસુકિ એ પોતાનો ઉપયોગ વલોણાંને ફેરવતી રસ્સી એટલે કે નોંઝણા તરીકે થવા દીધેલો. વાસુકિ એટલે પરમ શિવભક્ત. એમની પ્રબળ શિવભક્તિને કારણે જ તેઓ શિવજીનાં ગળામાં સ્થાન પામ્યાં. એ સમયે નાગરાજ વાસુકિ સમસ્ત નાગજાતિને બચાવવા માટે ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. જોકે આ વાત સાથે એક ઔર પૌરાણિક કથા જોડાયેલી છે. એક પ્રસંગ અનુસાર માતા કદ્રુએ સર્પયજ્ઞમાં ભસ્મ થવાનો સાપોને શ્રાપ આપ્યો હતો. ત્યારે એલાપત્ર નામના નાગે વાસુકિને કહ્યું હતું કે તમારી બહેન, જકારર્તાને જન્મેલો પુત્ર જ સાપની બલિને રોકી શકશે. એ વાતનાં સંદર્ભે નાગરાજ વાસુકીએ એમની બહેન જર્તારુનાં લગ્ન ઋષિ જરત્કારુ સાથે કરેલા જેનાથી આસ્તિક નામનાં વિદ્વાન ઋષિ પુત્ર રૂપે અવતર્યા હતાં. આ હતી આ યજ્ઞ પાછળની પૂર્વભૂમિકા અને હવે પાછા આવીયે જન્મેજયનાં યજ્ઞમાં. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞ ચાલી રહ્યો હતો. આ મહર્ષિ આસ્તિક જન્મેજયનાં યજ્ઞમાં પધારે છે અને પોતાની મધુર વાણીથી જન્મેજય પર પોતાની ગાઢ અસર પ્રસ્થાપિત કરે છે. યજ્ઞમાં એક પછી એક બધા જ સર્પ અને નાગની આહુતિ આપવમાં આવી રહી હતી અને છેલ્લે વારો આવ્યો તક્ષક નાગનો. મંત્રોચ્ચાર છતાં એ ન આવ્યો ત્યારે જન્મેજય ક્રોધિત થાય છે અને એને ખબર પડે છે કે તક્ષક ભાગીને ઇન્દ્રની શરણમાં છે. ક્રોધમાં આવેલા જન્મેજયે બંનેની ભેગી આહુતિ આપવાનું આહ્વન કર્યું. 'ઇન્દ્રાય તક્ષકાય સ્વાહા..' નાં મંત્રો ગુંજી ઉઠ્યા. આ બાજુ નાગરાજ તક્ષક આ યજ્ઞથી ભયભીત થઈને દેવરાજ ઇન્દ્રની શરણમાં હતાં, પરંતુ બ્રાહ્મણોનાં મંત્રોની શક્તિ એટલી સાત્વિક અને તીવ્ર હતી કે આ યજ્ઞમાં ઈન્દ્રાસન સહિત અન્ય સાપો પણ યજ્ઞ કુંડમાં પડીને ભસ્મી ભૂત થવા લાગ્યા. જયારે તક્ષકનો વારો આવે છે ત્યારે જન્મેજય પોતાનો યજ્ઞ પુર્ણાહુતીનાં આરે છે એમ સમજીને આસ્તિક ઋષિને કઈંક માંગવાનું જણાવે છે. અને ત્યારે આસ્તિક ઋષિ તક્ષકની આહુતિ ન આપવાનું માંગી લે છે અને વચનમાં બંધાયેલો જન્મેજય ખિન્ન મને સ્વીકારી લે છે. આમ આસ્તિક ઋષિ દયા ભાવથી તક્ષકને યજ્ઞ કુંડની અગ્નિમાં પડતાં બચાવી લે છે. એટલું જ નહિ જન્મેજયને સમજાવી આ યજ્ઞ પણ અટકાવી દે છે. આ દિવસે નાગજાતિને જીવતદાન મળ્યું હતું અને આ દિવસ શ્રાવણ માસની વદ પંચમી (કૃષ્ણપક્ષ) તથા ભારતનાં અન્ય કૅલૅન્ડેરો મુજબ શ્રાવણ માસની સુદ પંચમી હોઈ આ દિવસે નાગપાંચમનો તહેવાર મનાવવામાં આવે છે. આપણા શાસ્ત્ર અને પુરાણોમાં નાગોનું વિસ્તૃત વર્ણન મળી આવે છે. ખાસ તો વાસુકિ, તક્ષક અને શેષનાગ વિશે ઘણા ઉલ્લેખો મળી આવે છે. તક્ષક નાગ વાસુકિની જેમ જ ભગવાન શિવની ગ્રીવા અને જટામાં બિરાજમાન છે એવું મનાય છે. કદ્રુનાં પુત્રોમાં શેષનાગ સૌથી શક્તિશાળી હતા. બ્રહ્માએ શેષનાગને કહેલું કે આ પૃથ્વી સતત ગતિશીલ રહે છે, તેથી તમે પૃથ્વીને તમારી ફેણ પર એવી રીતે ધારણ કરો કે તે સ્થિર થાય અને ત્યારથી શેષનાગે પૃથ્વીને પોતાની ફેણ પર ધરી છે એવું મનાય છે. ક્ષીર સાગરમાં, ભગવાન વિષ્ણુ શેષનાગની શૈય્યા પર બિરાજમાન છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન રામ અને કૃષ્ણનાં ભાઈ લક્ષ્મણ અને બલરામ પણ આ શેષનાગનો જ અવતાર છે એ વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પુરાણો અનુસાર નાગરાજ વાસુકિની મુખ્ય ભૂમિકા અગાઉ જણાવ્યા મુજબ સમુદ્રમંથન સમયે અને ત્રિપુર ધ્વંશદાહ સમયે થઈ હતી જેમાં વાસુકિ શિવજીનાં ધનુષની પ્રત્યંચા બન્યા હતા. સમુદ્રમંથન અને નાગવંશનાં સર્વનાશને રોકવાનાં કાર્યને લીધે વાસુકિનાગનાં માનમાં આજે પણ નાગપંચમી ઉજવી એમને યાદ કરાય છે. આપ સહુને નાગપંચમીની મારાં તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! - વૈભવી જોશી

Join the conversation